આત્મીય ગ્રુપની AICTE માન્ય ડીગ્રી/ડિપ્લોમાં એન્જીનીયરીંગ-ફાર્મસી કોલેજીસમાં વર્ષ
૨૦૧૦-૧૧માં પ્રવેશ લેવા ઈચ્છુક વિદ્યાર્થીઓ-વાલીઓની જાણ માટે નિવેદન
નામદાર ગુજરાત હાઇકોર્ટે જણાવ્યા પ્રમાણે ACPC દ્વારા આત્મીય ગ્રુપની કોલેજીસમાં પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. તે સંજોગોમાં વિદ્યાર્થીઓ કોઈ ચિંતા કે દ્વિધા અનુભવ્યા સિવાય આ કોલેજીસમાં પ્રવેશ માટે પોતાની ચોઈસ દર્શાવી શકે તે માટે કેસની સંપૂર્ણ વિગત અત્રે જણાવીએ છીએ.
સર્વોદય કેળવણી સમાજ - રાજકોટને ઈ.સ. ૧૯૬૬ અને ઈ.સ. ૧૯૬૮ એમ બે તબક્કે નાના મવાના સરકારી સર્વે નંબર ૧૨૩ પૈકીની કુલ જમીન એકર ૨૩.૨૫ ગુંઠા જમીન શૈક્ષણિક હેતુ માટે સરકારશ્રી દ્વારા મહેસુલ માફીથી આપવામાં આવેલ. ટ્રસ્ટે વિવિધ તબક્કે વિદ્યાર્થીઓના વિશાળહિતમાં વિકાસ સાધીને અદ્યતન શૈક્ષણિક સુવિધાઓ ઊભી કરેલ છે. વહીવટીતંત્રએ ટ્રસ્ટને તારીખ: ૫-૨-૨૦૦૯નાં જા.ક. : પ્રાક.-પરચ-શરતભંગ/કેસનંબર-૧૩/૦૯થી સો-કોઝ નોટીસ પાઠવેલ. જે કેસ ચાલતા તા. ૩૦/૧/૨૦૧૦ન રોજ નાયબ કલેકટરશ્રી રાજકોટ પ્રાંતે શરતભંગનો કેસ સાબિત માની હુકમ કરેલ.
૧. ઉક્ત નોટીસમાં ટ્રસ્ટ દ્વારા સરકારી જમીનમાં દબાણ કરી પેશક્દમીનો આક્ષેપ કરાયો છે. આ અંગે ડી.આઈ.એલ.આર./સીટી સર્વે કચેરી દ્વારા બે વખત માપણી કરીને કોઈ દબાણ થયેલ નથી તેવો રીપોર્ટ જીલ્લા વહીવટીતંત્રને કરાયો છે.
૨. ઉક્ત નોટીસ અને હુકમમાં સંસ્થાના ટ્રસ્ટીઓમાં ફેરફાર કરી નવા ટ્રસ્ટીઓ ઉમેરવાનો શરતભંગનો મુદ્દો બનાવ્યો છે. આ અંગે જણાવીએ કે આ ટ્રસ્ટ સાર્વજનિક ટ્રસ્ટ એક્ટ - ૧૯૫૦ તેમજ સોસાયટી રજિસ્ટ્રેશન એક્ટ-૧૯૬૦ હેઠળ નોંધાયેલ છે અને ચેરિટીના કાયદાઓ - નિયમો તેને લાગુ પડે છે. તે અનુસાર ચેરીટી કમિશ્નરશ્રીની મંજૂરી લઈને જ ટ્રસ્ટીઓમાં ફેરફાર થયેલ છે. આથી ટ્રસ્ટીઓના ફેરફારમાં સરકારની મંજૂરી ન લીધી હોવાનો આક્ષેપ પણ સત્ય નથી કે તેથી કોઈ શરતભંગ થતો નથી.
૩. ઉક્ત નોટીસ અને હુકમમાં ટ્રસ્ટને મળેલી ૧૩.૨૫ એકર જમીન સામે બેન્કમાંથી વિકાસ કર્યો માટે લોન લેવામાં આવી હોવાના મુદ્દાને શરતભંગ ગણાવ્યો છે. આ અંગે જણાવીએ કે ટ્રસ્ટે વિવિધ અભ્યાસક્રમો શરુ કરવા અને આનુસંગિક શૈક્ષણિક સુવિધાઓના વિકાસ માટે બેંક પાસેથી લોન લીધી છે. લોન લેવા માટેની તમામ વિધિ સરકારી ધારાધોરણો અનુસાર પારદર્શંક રીતે ચેરીટી કમિશ્નરશ્રીની મંજૂરી સાથે કરવામાં આવી છે. આમ આ બાબતે પણ કોઈ શરતભંગ થતો નથી. વળી, સરકારશ્રીએ પ્રવર્તમાન સમયમાં સ્વનિર્ભર સંસ્થાઓને પ્રોત્સાહન આપવાની નીતિ રાખી છે ત્યારે તે નીતિને અનુરૂપ શૈક્ષણિક પ્રવૃતિઓના વિકાસની પ્રવૃત્તિ અમે કરી રહ્યા છીએ. ટ્રસ્ટના તમામ હિસાબોનું કાયદાની જોગવાઈ અનુસાર નામાંકિત ચાર્ટડ એકોઉંન્ટન્ટસ પાસે ઓડીટ કરાવવામાં આવે છે જે સંયુક્ત ચેરીટી કમિશ્નરશ્રીની કચેરીમાં મંજુર પણ કરાવવામાં આવે છે. આ તમામ હિસાબો પરથી ફલિત થાય છે કે ટ્રસ્ટે ફીમાંથી થતી આવક કરતાં શિક્ષણના વિકાસ માટે ઘણો વધારે ખર્ચ કર્યો છે. ટ્રસ્ટને મળતાં દાનનો ઉપયોગ પણ વિદ્યાર્થીઓના હિતમાં કરવામાં આવે છે. આમ પુનઃ જણાવીએ કે અમે શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા કોઈ જ નફાકીય પ્રવૃત્તિ કરી નથી કે કરવાનો ઈરાદો પણ ધરાવતા નથી.
વળી, ઉક્ત હુકમમાં નાયાબ કલેકટરશ્રીએ ફીની આવકનો ઉલ્લેખ તો કર્યો છે પરંતુ ટ્રસ્ટે ખર્ચેલ નાણા અંગે કોઈ ઉલ્લેખ ન કરીને ગેરસમજ ઊભી કરવાનો પ્રયાસ કર્યો હોય તેવું લાગ્યા વગર રહેતું નથી.
૪. શરતભંગની નોટીસ અને હુકમમાં જણાવ્યા અનુસાર બાંધકામ માટેના નકશા અને પ્લાન કલેકટરશ્રીની મંજૂરી માટે રજુ કરેલ નથી. આ વાત સત્યથી વેગળી છે. હકીકતમાં ટ્રસ્ટે સમયેસમયે કલેકટરશ્રી/રૂડા/રાજકોટ મહાનગરપાલિકા પાસે કાયદા અને નિયમોની જોગવાઈઓ મુજબ સક્ષમ સત્તાવાળાઓ સમક્ષ બાંધકામ પ્લાન વગેરે મંજુર કરાવેલ છે.
આમ, સર્વોદય કેળવણી સમાજ - રાજકોટને સરકારશ્રી દ્વારા મહેસુલ માફીથી અપાયેલ જમીનમાં કોઈ જ શરતભંગ કરવામાં આવ્યો નથી. વિદ્યાર્થીઓમાં શિક્ષણની સાથે સંસ્કારનું સિંચન થાય તો તે પોતાના પરિવાર ઉપરાંત સમાજ અને રાષ્ટ્રની સેવામાં ઉત્કૃષ્ટ યોગદાન આપી શકે તથા સંસ્કૃતિના વારસાને જાળવી શકે તેવી પરમ પૂજ્ય હરીપ્રસાદસ્વામીજીની જીવનભાવના આ શૈક્ષણિક સંકુલ દ્વારા સાકાર થઇ રહી છે.
નાયબ કલેકટરશ્રીના હુકમ બાદ નામદાર ગુજરાત હાઇકોર્ટના આદેશાનુસાર ટ્રસ્ટે મહેસુલ સચિવશ્રી (અપીલ) સમક્ષ અપીલ કરી હતી. જે હજુ વિચારધીન હતી ત્યાં જ સરકારે અચાનક સર્વોદય કેળવણી સમાજ સંચાલિત સંસ્થાઓને 'નો એડમિશન ઝોન'માં મુકવાનો અન્યાયપૂર્ણ નિર્ણય કર્યો હતો. જે સામે ટ્રસ્ટે નામદાર ગુજરાત હાઇકોર્ટમાં દાદ માંગતા નામદાર ગુજરાત હાઇકોર્ટે સરકારના નિર્ણય સામે મનાઈ હુકમ આપીને પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવા જણાવેલ છે. તે મુજબ એસીપીસી દ્વારા આત્મીય ગ્રુપની ડીગ્રી/ડિપ્લોમા એન્જીનીરીંગ/ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ પ્રક્રિયા શરુ કરી દેવામાં આવી છે. આ અંગે વિદ્યાર્થીઓ-વાલીઓને નિવેદન કે કોઈપણ પ્રકારની ચિંતા કે દ્વિધા અનુભવ્યા વગર આત્મીય ગ્રુપની શિક્ષણ સંસ્થાઓમાં પ્રવેશ લઈને અત્યાધુનિક શૈક્ષણિક સુવિધાઓ સાથે અભ્યાસ કરવાની સુવર્ણ તક મેળવી શકે છે.







































